નાસાએ ૨૦૨૫માં વાઈડ ફિલ્ડ ઇન્ફ્રારેડ સર્વે ટેલિસ્કોપ અંતરિક્ષમાં મૂકવાનું નક્કી કર્યું છે. આ ટેલિસ્કોપની કયા પ્રકારના રોકેટ વડે અંતરિક્ષમાં ધકેલવામાં આવશે? તે નક્કી નથી. પરંતુ આવતા વર્ષે આ ટેલિસ્કોપ માટેના રોકેટની પસંદગી કરી લેવામાં આવશે. નાસા “વાઈડ ફિલ્ડ ઇન્ફ્રારેડ સર્વે ટેલિસ્કોપ” પહેલા,  “જેમ્સ વેબ સ્પેસ  ટેલિસ્કોપ” અંતરિક્ષમાં મોકલવાનું છે. આ કાર્યક્રમમાં નાસાએ યુરોપિયન સ્પેસ એજન્સીનો સાથ અને સહયોગ લીધો છે. જેમની મદદથી અરાયન-5 રોકેટ દ્વારા ફ્રેંચ ગુઆના સ્થળેથી જેમ્સ વેબ સ્પેસ  ટેલિસ્કોપને અંતરિક્ષમાં મોકલવામાં આવશે. 2021ના અંત ભાગમાં જેમ્સ વેબ સ્પેસ  ટેલિસ્કોપ અંતરિક્ષમાં ગોઠવવામાં આવશે. ૨૦મી મેના રોજ નાસાના વડાએ, વાઈડ ફિલ્ડ ઇન્ફ્રારેડ સર્વે ટેલિસ્કોપને,  પોતાના એક મહિલા કર્મચારીનું નામ આપવાની જાહેરાત કરી છે. નાસાના ઇતિહાસમાં, આ મહિલાએ પોતાનું નામ રોશન કર્યું છે.  નાસામાં કામ કરનારી તે પ્રથમ મહિલા હતી.  નાસાએ તેના આગામી મિશન, “વાઈડ ફિલ્ડ ઇન્ફ્રારેડ સર્વે ટેલિસ્કોપ”નું નામ “ડૉ.નેન્સી ગ્રેસ રોમન ટેલિસ્કોપ”  રાખ્યું છે. અંતરિક્ષમાં  સ્પેસ ટેલિસ્કોપ ગોઠવવા માટે  “ડૉ.નેન્સી ગ્રેસ રોમને તેના નોકરી કાળ દરમ્યાન ખૂબ જ મહેનત કરી હતી.  અનેક સમસ્યાનો સામનો કરીને નાસાને અંતરિક્ષમાં સ્પેસ ટેલિસ્કોપ ગોઠવવા માટે  તૈયાર કર્યું હતું.  એના યોગદાનની કદર કરીને,  નાસાના કર્મચારીઓ તેને “મધર ઓફ  હબલ સ્પેસ ટેલિસ્કોપ” તરીકે નવાજે છે.

        હબલ સ્પેસ ટેલિસ્કોપ ની માફક ડબલ્યુ- ફર્સ્ટના પ્રાથમિક કાચ-અરીસાનું માપ ૨.૪ મીટર જેટલું છે.  પરંતુ આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ થવાથી તેની દ્રશ્ય ક્ષમતા, હબલ સ્પેસ ટેલિસ્કોપ કરતા સોગણી વધારે રહેશે.  “ડબલ્યુ- ફર્સ્ટ”ની એક તસવીર હબલ સ્પેસ ટેલિસ્કોપની સો તસવીર જેટલો ડેટા આપશે. હાલમાં ડબલ્યુ- ફર્સ્ટની ડિઝાઇન એડવાન્સ સ્ટેજમાંછે.  તેના માટે જરૂરી હાર્ડવેર તૈયાર કરવામાં આવી રહ્યા છે. આ મિશનમાં મુખ્યત્વે બે ઉપકરણ અંતરિક્ષમાં ગોઠવવામાં આવશે.  એક ઉપકરણને “વાઈડ ફિલ્ડ ઇન્ફ્રારેડ ઇન્સ્ટ્રુમેન્ટ” તરીકે ઓળખવામાં આવે છે.  જ્યારે બીજા ઉપકરણને “કોરોનાગ્રાફ”  કહેવામાં આવે છે.  “વાઈડ ફિલ્ડ ઇન્ફ્રારેડ ઇન્સ્ટ્રુમેન્ટ” એક  પ્રકારનું ટેલિસ્કોપ છે.  જેમાં 300 મેગાપિક્સેલવાળો વિશાળ કેમેરા ગોઠવવામાં આવેલોછે.  આ કેમેરા ડાર્ક મેટરની હાજરી અને બ્રહ્માંડમાં ડાર્ક એનર્જીથી  થનારી અસરો વિશે માહિતી એકઠી કરશે. “કોરોનાગ્રાફ” ખાસિયત એછેકે,  તારામાંથી આવતા પ્રકાશને તે બ્લોક કરીને તેની આજુબાજુ ફરતા એક્સોપ્લેનેટ વિશે માહિતી મેળવશે.  વૈજ્ઞાનિકો હાલમાં સ્પેસક્રાફ્ટ અને ઉપકરણની વિગતવાર ડિઝાઇન તૈયાર કરી રહ્યા છે.  આવતા વર્ષે વાઈડ ફિલ્ડ ઇન્ફ્રારેડ સર્વે ટેલિસ્કોપને અંતરિક્ષમાં મોકલવા માટેના રોકેટની પસંદગી પણ થઇ જશે.  મોટાભાગે “ડબલ્યુ- ફર્સ્ટ”ને કેપ કેનાવેરેલ મથકેથી  સ્પેસ-Xના રોકેટ  અથવા બ્લ્યુ ઓરીજીન રોકેટ વડે અંતરિક્ષમાં ગોઠવવામાં આવશે.

નાસાના વાઈડ ફિલ્ડ ઇન્ફ્રારેડ સર્વે ટેલિસ્કોપને અંતરિક્ષમાં મોકલવા માટેની અંતિમ મંજૂરી ગયા ફેબ્રુઆરી માસમાં આપવામાં આવી હતી. નાસાના હાલના ટાઇમટેબલ પ્રમાણે વાઈડ ફિલ્ડ ઇન્ફ્રારેડ સર્વે ટેલિસ્કોપ ઓક્ટોબર ૨૦૨૫માં અંતરિક્ષમાં ગોઠવવામાં આવશે. વાઈડ ફિલ્ડ ઇન્ફ્રારેડ સર્વે ટેલિસ્કોપ મિશન, ડબલ્યુ- ફર્સ્ટ (WFIRST) એટલે કે “વાઈડ ફિલ્ડ ઇન્ફ્રારેડ સર્વે ટેલીસ્કોપ” તરીકે ઓળખાય છે. નાસાના ડબલ્યુ- ફર્સ્ટ (WFIRST) મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટનેવ્હાઈટ હાઉસ અને કોંગ્રેસે અનેકવાર નકારી કાઢ્યો હતો.  તેમ છતાં નાસા ડબલ્યુ- ફર્સ્ટ (WFIRST)ને અંતરિક્ષમાં ગોઠવવા માટે મક્કમ છે. 2019માં  ડોનાલ્ડ ટ્રમ્પ પ્રશાસન દ્વારા ડબલ્યુ- ફર્સ્ટ (WFIRST)ને નાણાં ફાળવવામાં આવ્યા નહતા.  આમ છતાં કોંગ્રેસે ૨૦૧૯ અને ૨૦૨૦માં, ડબલ્યુ- ફર્સ્ટ (WFIRST) કાર્યક્રમ માટે અનુક્રમે 312 મિલિયન અને 510 મિલિયન ડોલરનું બજેટ 2019 અને 2020 માટે આપ્યું હતું. વ્હાઇટ હાઉસ દ્વારા,  સોફિયા નામની એરબોર્ન ઇન્ફ્રારેડ ઓબ્ઝર્વેટરી માટે આ વર્ષે પણ બજેટ ફાળવવામાં આવ્યું નથી.  નાસા માટે બજેટ  મેળવવું  શરૂઆતથી જ મુશ્કેલ કામ રહ્યું છે. ભવિષ્યમાં કોંગ્રેસ અને વ્હાઈટ હાઉસ આપ્રોજેક્ટને અભરાઈ પર ચડાવીના દે, તે માટે નાસાના વૈજ્ઞાનિકોએ  તડામાર તૈયારીઓ ચાલુ કરી દીધી છે.  ડબલ્યુ- ફર્સ્ટ ખાસ મકસદ સાથે અંતરિક્ષમાં જશે.  તે બ્રહ્માંડમાં રહેલા રહસ્યમય ડાર્ક એનર્જી વિશે અવલોકન લેવાનું કામ કરશે.  બ્રહ્માંડના વિસ્તરણ માટે વૈજ્ઞાનિકો ડાર્ક એનર્જી જવાબદાર છે. આ ઉપરાંત બ્રહ્માંડમાં રહેલા અન્ય તારાઓની આસપાસ ફરતા એક્સોપ્લેનેટ એટલે કે બાહ્યગ્રહના શોધ-સંશોધન માટે પણ  ડબલ્યુ- ફર્સ્ટ ઉપયોગમાં લેવામાં આવશે.

વૈજ્ઞાનિકોની ટીમ આવતા વર્ષે “ડબલ્યુ- ફર્સ્ટ”માટેના એન્જિનિયરિંગ ટેસ્ટ યુનિટ અને તેના મોડલની રચના કરવાનું શરૂ કરી દેશે.  સામાન્ય રીતે કોઈપણ મિશનના બેથી ત્રણ વર્ષ પહેલા તેના બાંધકામનો કોન્ટ્રાક્ટ  નાસા દ્વારા ખાનગી કંપનીને આપવામાં આવે છે.  પરંતુ “ડબલ્યુ- ફર્સ્ટ”કાર્યક્રમમાં  નાસા પાંચ વર્ષ પહેલાંથી તૈયારી કરી રહી છે. “ડબલ્યુ- ફર્સ્ટ”માં પ્રાઇમરી મિરર તરીકે “એનઆરઓ સ્પાય સેટેલાઈટ”નો, મિરર વાપરવામાં આવશે. અમેરિકા દ્વારા પૂરી દુનિયા ઉપર જાસૂસી થઈ શકે,  એવા સેટેલાઈટનો પ્રાયમરી મિરર કેવો પાવરફુલ હોઈ શકે? તેની કલ્પના આપણે કરી શકીએ તેમ છીએ.  આવો પાવરફુલ મિરર   “ડબલ્યુ- ફર્સ્ટ” માટે વાપરવામાં આવનારછે.  “ડબલ્યુ- ફર્સ્ટ” આલ્બર્ટ આઈન્સ્ટાઈનના સામાન્ય સાપેક્ષવાદના સિદ્ધાંત ઉપરાંત બ્રહ્માંડમાં રહેલા ૬૮ ટકા અદ્રશ્ય બળ એટલે કે ડાર્ક એનર્જી વિશે પણ માહિતી આપશે.

શરૂઆતમાં “ડબલ્યુ- ફર્સ્ટ” માટે નાના કદનો મિરર વાપરવાનું નક્કી થયું હતું પરંતુ,  એનઆરઓ સ્પાય સેટેલાઈટનો મિરર ઉપલબ્ધ હોવાથી, તેમાં ટેકનોલોજીકલ સુધારા કરી તેને વાપરવાનું નક્કી થયું.  જેના કારણે આમિશન ની કિંમત, આકાર અને કદમાં અનેક ગણો વધારો થઇ ગયો હતો.  આ મિશન વાઈડ ફિલ્ડ ઇન્ફ્રારેડ સર્વે ટેલિસ્કોપનું અંદાજે  વજન ૭.૩ મેટ્રિક ટન જેટલુ થશે. નાસાના અંદાજ પ્રમાણે  “ડબલ્યુ- ફર્સ્ટ” વિકસાવવા માટે ૩.૨ બીલીયન  ડોલર અને   “કોરોનાગ્રાફ” તૈયાર કરવા માટે 3.10  બિલિયન ડોલરનો ખર્ચ થશે.  નજીકના ભવિષ્યમાં અંતરિક્ષમાં મૂકનારા જેમ્સ વેબ સ્પેસ  ટેલિસ્કોપ પાછળ નાસા ૯.૨ અબજ ડોલર ખર્ચ કરવાનું છે.  જેમાં યુરોપિયન સ્પેસ એજન્સી અને કેનેડિયન  અંતરિક્ષ સંસ્થા દ્વારા આપવામાં આવેલ નાણાકીય સહયોગની ગણતરી કરવામાં આવી નથી. “ડબલ્યુ- ફર્સ્ટ”ને L2 તરીકે ઓળખાતા સન-અર્થ લાંગરેજ પોઈન્ટ ઉપર ગોઠવવામાં આવશે.  જે લાંગરેજ પોઈન્ટ પૃથ્વીથી 15 લાખ કિલોમીટર દૂર આવેલું છે.  20મેના રોજ નાસાના અધિકારીએ “ડબલ્યુ- ફર્સ્ટ”ને,  તેમની મહિલા કર્મચારીના નામ  “ડૉ.નેન્સી ગ્રેસ રોમન ઉપરથી “નેન્સી ગ્રેસ રોમન ટેલિસ્કોપ”નામ આપવાની જાહેરાત કરી છે.   “ડૉ. નેન્સી ગ્રેસ રોમન કોણ હતા? અને   નાસાના સંશોધન કાર્યમાં તેમનું યોગદાન શું હતું?.

નેન્સી ગ્રેસ રોમન નાની હતી ત્યારે, તેની માતા સાથે રાત્રે અંધકારમાં બહાર ફરવા માટે નીકળતી. તેની માતા તેને અંધકારમાં રહેલા વિવિધ નક્ષત્ર મંડળ અને તારાઓની ઓળખ આપતી હતી.  કેટલીકવાર અંધકારમાં તેની માતા તેને “ધ્રુવ-જ્યોતિ”ના દર્શન પણ કરાવતી હતી.  આમ, નેન્સીનો ખગોળશાસ્ત્ર સાથે બચપણથી સંબંધ બંધાયો હતો.  નેન્સીને ખબર નહોતીકે આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીતે, ખગોળશાસ્ત્રને વધારે સમૃધ્ધ બનાવશે. વિશ્વ તેને “મધર ઓફ હબલ ટેલિસ્કોપ” તરીકે ઓળખશે. દુનિયાની આ બીજી ઘટનાછે, જ્યારે કોઈ ટેલિસ્કોપને મહિલા ખગોળશાસ્ત્રીનું નામ આપવામાં આવ્યું હોય.  આ પહેલા નેશનલ સાયન્સ ફાઉન્ડેશન દ્વારા, ચિલીમાં આવેલ નવા ટેલિસ્કોપને મહિલા વૈજ્ઞાનિક “વેરા રૂબીન”નું નામ આપ્યું હતું. ડૉ. વેરા રૂબીન ડાર્ક મેટરમાં સંશોધન કરવા માટે જાણીતા બન્યા હતા.

        ૧૯૨૫માં નેશવિલએમાં  નેન્સી ગ્રેસ રોમનનો જન્મ થયો હતો. તેની માતાનું નામ જ્યોર્જિયા સ્મિથ રોમન હતું, તેઓ સંગીત શિક્ષક હતા. તેમણે નેન્સીને પક્ષી, વનસ્પતિ, તારા અને ગ્રહ સાથે બચપણથી સંબંધ બાંધવાનો શીખવાડી દીધું હતું. નેન્સીના પિતા ઇરવીન રોમન ભૂ-ભૌતિકશાસ્ત્રી હતા.  અનેકવાર તેમને નોકરીઓ  બદલવી પડી હતી.   જેના કારણે નેન્સીને પણ બચપણમાં ઘણા બધા શહેરો બદલવા પડ્યા હતા. ૧૧ વર્ષની ઉંમરે,પાંચમા ધોરણમાં નેન્સીએ પોતાના મિત્રો માટે એસ્ટ્રોનોમી ક્લબની સ્થાપના કરી હતી. જેમાં દર અઠવાડિયે વિવિધ નક્ષત્ર મંડળ ઉપર ચર્ચા કરવા માટે મીટીંગ બોલાવવામાં આવતી હતી. તે સમયે છોકરીઓને વિજ્ઞાનમાં લોકો વધારે રસ લેવા દેતા નહીં.  અભ્યાસમાં નેન્સીએ લેટિન ભાષાની જગ્યાએ બીજ-ગણિતની પસંદગી કરી ત્યારે તેની શિક્ષિકાએ મોઢું મચકોડીને કહ્યું હતું કે “છોકરીઓ માટે વિજ્ઞાનનો વિષય છેજ નહીં, છોકરીઓ ક્યારેય વૈજ્ઞાનિક બની શકે નહીં.” સમયથી વિરુદ્ધ જઈને પણ નેન્સીએ ખગોળશાસ્ત્રમાં પોતાની કારકિર્દી બનાવાનું નક્કી કરી લીધું હતું. એમણે માન્યું હતું કે “જો તેઓ ખગોળશાસ્ત્રી નહીં  બની શકે તો, હાઈસ્કૂલમાં તેઓ ભૌતિકશાસ્ત્ર અથવા ગણિત ભણાવનાર  શિક્ષિકા બનશે.”

નેન્સી  જ્યારે કારકિર્દીની શરૂઆત કરી ત્યારે,  વિજ્ઞાનના ક્ષેત્રમાં પુરુષનો પ્રભુત્વ સૌથી વધારે હતું.  સ્ત્રીઓને આક્ષેત્રમાં જાણે પ્રવેશવાની મનાઈ હતી. આમ છતાં બાળપણથી જ ખગોળશાસ્ત્રમાં અભ્યાસ કરવાની તીવ્ર તમન્ના ધરાવનાર નેન્સીએ 1946 મા પેન્સિલ્વેનિયાની સ્વાર્થમોર કોલેજમાંથી એસ્ટ્રોનોમીની ડીગ્રી મેળવી હતી. કોલેજની ડિગ્રી મેળવ્યા બાદ, નેન્સીએ યુનિવર્સિટી ઓફ શિકાગોમાં,  ત્રણ પ્રોફેસરનો સંપર્ક સાધ્યો હતો. જે તેમને ડોક્ટરેટની ડિગ્રીમાં મદદ કરી શકે તેમ હતા.  તેમાં ઓટો સ્રુવ, જ્યોર્જ વોન બીએસબ્રઓક અને  વિલીયમ વિલ્સન  મોર્ગન સમાવેશ થાય છે.  પ્રો. ઓટો સ્રુવ દ્વારા તેને થીયરીનો પ્રોજેક્ટ આપવામાં આવ્યો,   પ્રો. જ્યોર્જ વોન બીએસબ્રઓકે ,તેને ડેટા એનાલીસીસનું કામ સોંપ્યું. પ્રો. વિલીયમ વિલ્સન  મોર્ગને   નેન્સીને કેનવુડ એસ્ટ્રો-ફિઝિકલ ઓબ્ઝર્વેટરીમાં રહેલ ૧૨ ઈંચના રિફ્લેક્તિવ ટેલિસ્કોપ વડે અવલોકનો નોંધવા કહ્યું.  એક સમય એવો હતોકે પ્રો. મોર્ગને નેન્સી સાથે છ મહિના સુધી એક પણ શબ્દની આપ-લે કરી નહતી. જે બતાવે છેકે તે સમયે સ્ત્રીઓને વિજ્ઞાન ક્ષેત્રે કારકિર્દી બનાવવી ખૂબ જ મુશ્કેલ પરિસ્થિતિ હતી. 1949માં નેન્સીએ “ઉર્સા મેજર મુવીંગ ગ્રુપ” (દેવયાની તારામંડળ) નક્ષત્રમંડળ ઉપર સંશોધન મહાનિબંધ લખીને ડોક્ટરેટની પદવી હાંસલ કરી હતી. ત્યારબાદ પ્રો. મોર્ગનના રીસર્ચ એસોસીએટ તરીકે યુનિવર્સિટીમાં સેવા આપવાનું તેમણે શરૂ કર્યું હતું.  તેઓ “આરેગોન  નેશનલ લેબોરેટરી”માં પણ ખગોળશાસ્ત્રી તરીકે સેવા આપવા જતા હતા.  અહીં તેમણે નવા પ્રકારની ફોટોગ્રાફિક પ્લેટ વસાવા માટે ભલામણ કરી હતી. જેનો ઇનકાર કરવામાં આવ્યો હતો. 1954માં  ડેટા એનાલીસીસ માટે નેન્સીએ બજારમાં નવા આવેલા ડિજિટલ કોમ્પ્યુટર વસાવાની ભલામણ કરી હતી.  પરંતુ વિભાગના વડા અને ભારતીય મૂળના ખ્યાતનામ વૈજ્ઞાનિક,  સુબ્રમણ્યન ચંદ્રશેખરે, આ ભલામણનો પણ અસ્વીકાર કર્યો હતો. સુબ્રમણ્યન ચંદ્રશેખરે કહ્યું હતું કે “ડેટા એનાલીસીસ માટે ડિજિટલ કોમ્પ્યુટર નકામા ગણાય.”  આજે સમગ્ર વિશ્વમાં ડેટા એનાલીસીસ માટે ડિજિટલ કોમ્પ્યુટર વપરાય છે. યુનિવર્સિટીમાં સંશોધન માટે સ્ત્રીઓને ખાસ પ્રોત્સાહન આપવામાં આવતું હોવાથી છેવટે નેન્સીએ યુનિવર્સિટી સ્ટાફમાંથી રાજીનામું આપી દીધું હતું.  ત્યારબાદ ખ્યાતનામ વૈજ્ઞાનિક જેરર્લ્ડ કુઈપરે (જેમના નામ ઉપરથી સૂર્યમાળાની ભાગોળે આવેલ એસ્ટરોઇડના વિશાળ બેલ્ટને “કુઈપર બેલ્ટ” તરીકે ઓળખવામાં આવે છે),  નેન્સીને  નેવલ રિસર્ચ લેબોરેટરીમાં સ્થાપવામાં આવેલ નવા ક્ષેત્ર રેડિયૉ-એસ્ટ્રોનોમીમાં કામ કરવા માટે ભલામણ કરી હતી. શરૂઆતમાં તેમણે યુનાઈટેડ સ્ટેટ નેવલ રિસર્ચ લેબોરેટરીમાં રેડિયૉ-એસ્ટ્રોનોમી વિભાગમાં સંશોધન કાર્ય શરૂ કર્યું હતું. આ સમયે સરકારી ધોરણે રેડિયો ટેલિસ્કોપ બનવાનું શરૂ થયું નહતું, પરંતુ શોખીન ખગોળશાસ્ત્રીઓ જાતેજ પોતાનું રેડિયો ટેલિસ્કોપ બનાવીને અંતરીક્ષ સંશોધન કરતા હતા.

નેવલ રિસર્ચ લેબોરેટરીમાં નેન્સીએ “પ્રોજેક્ટ વાનગાર્દ સેટેલાઈટ” પ્રોગ્રામ ઉપર મહત્વનું કામ કર્યું હતું.  અહીં તેમણે 440 મેગાહર્ત્ઝ આવ્રુતી વડે આપણી આકાશગંગાના નકશા તૈયાર કર્યા હતા. 1956માં, રશિયા અને અમેરિકા વચ્ચે જ્યારે “કોલ્ડ-વૉર” ચાલતું હતું ત્યારે,  ખગોળશાસ્ત્ર વિશે લેક્ચર આપવામાટે,  રશિયા જનાર પ્રથમ અમેરિકન નાગરિક નેન્સી રોમન હતા.  અહીંથી તેમને આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત થઈ હતી. પોતાની કારકિર્દી દરમિયાન નેન્સીએ સૂર્ય જેવા “તારા”ના વર્ગીકરણ કરવા માટે બે કેટેગરી સૂચવી હતી. જેમાં એક વર્ગ “તારા”ના રાસાયણિક બંધારણ પ્રમાણે અને બીજો વર્ગ બ્રહ્માંડમાં તેની ગતિ ના આધારે પાડવાનું સૂચવ્યું હતું.  નેન્સીના સંશોધન પ્રમાણે હાઇડ્રોજન અને હિલીયમ વાયુના બનેલા તારા,  અન્ય ભારે તત્વના બનેલ તારા કરતા બ્રહ્માંડમાં વધારે ઝડપથી ગતિ કરતા હતા.  આ ઉપરાંત તારામાં રહેલા હાઈડ્રોજન વાયુની હાઈડ્રોજન લાઈન એટલેકે વર્ણપટ તપાસીને તારાની ગતિનો અભ્યાસ થઈ શકેછે, તેવુ તારણ નેન્સી કર્યું હતું. તેમના ખગોળશાસ્ત્રના સંશોધનપત્રને,  એસ્ટ્રો-ફિઝિકલ જર્નલ દ્વારા સિલેક્ટ કરવામાં આવેલ સદીના ૧૦૦ સૌથી મહત્વના સંશોધન પત્રમાં સામેલ કરવામાં આવેલ છે.

એકવાર નાસામાં રસાયણશાસ્ત્રમાં નોબલ પ્રાઈઝ જીતનાર વૈજ્ઞાનિક હેરાલ્ડ ઉરેનું લેક્ચર ગોઠવવામાં આવ્યું હતું.  લેક્ચર સાંભળવા નેન્સી રોમન પણ ગયા હતા.  અહીં નાસાના  કાર્યકર જેક ક્લાર્કે,  નેન્સીને કહ્યું કે “તમે કોઈ એવી વ્યક્તિને ઓળખો છો, જે  નાસામાં સ્પેસ-એસ્ટ્રોનોમી ઉપર પ્રોગ્રામ તૈયાર કરી શકે?”  નેન્સીને લાગ્યુંકે નાસાએ તેમને  સ્પેસ-એસ્ટ્રોનોમી ઉપર કામ કરવા માટે,  અન-ઓફિસિયલ ભલામણ કરીછે.   નેન્સીએએ તુરત જ  નાસામાં એસ્ટ્રોનોમીમાં કામ કરવા માટે અરજી કરી. ઈન્ટરવ્યૂ બાદ તેમનું સિલેક્શન પણ થઈ ગયું.  આમ નેન્સી રોમન નાસામાં કાર્યરત બન્યા.  અહીં તેમને એસ્ટ્રોનોમી વિભાગના  “ચીફ એસ્ટ્રોનોમર્સ”ની પોસ્ટ આપવામાં આવી. નાસાના ઇતિહાસમાં “ચીફ એસ્ટ્રોનોમર્સ”ની પોસ્ટ પર આવનાર તેઓ પ્રથમ મહિલા હતા. સાથે સાથે એસ્ટ્રોનોમી વિભાગના પ્રથમ મહિલા એક્ઝિક્યુટિવ પણ નીમવામાં આવ્યા.  નાસામાં એક્ઝિક્યુટિવની પોસ્ટ પર આવનાર તેઓ પ્રથમ મહિલા હતા.

નેન્સીએ નાસા ની સ્થાપના થયાના છ મહિના બાદ, ફેબ્રુઆરી 1959 તેમણે નાસામાં નિમણુંક મેળવી હતી.  અહીં તેમણે એસ્ટ્રોનોમી વિભાગના ચીફ તરીકે સેવા આપવાની શરૂઆત કરી હતી. 1962માં નેન્સીએ ખગોળીય ટેલિસ્કોપને અંતરિક્ષમાં ગોઠવવા માટેની શક્યતા ઉપર વિચારવાનું અને કામ કરવાનું શરૂ કરી દીધું હતું.  પૃથ્વી ઉપર આવેલા ખગોળીય ટેલિસ્કોપમાં પૃથ્વીના વાતાવરણના કારણે સ્પષ્ટ તસવીરો મળતી નહતી.  આ સમસ્યાના ઉકેલ બતાવતા, 1946માં લીમાંન સ્પીટ્ઝર દ્વારા એક સંશોધન પેપર પ્રકાશિત થયું હતું.  જેમાં દર્શાવવામાં આવ્યું હતુંકે “પૃથ્વીના વાતાવરણની બહાર ટેલિસ્કોપ ગોઠવવામાં આવે તો ખૂબ જ સારી અને વિગતવાર તસવીરો મેળવી શકાય”.  આ શક્યતાને ચકાસીને નેન્સીએ ૧૯૭૦ના દાયકામાં “ખગોળીય ટેલિસ્કોપ” અંતરિક્ષમાં ગોઠવવા માટે  તૈયારી શરૂ કરી દીધી હતી પરંતુ,  તેઓ નિવૃત્ત થયા ત્યાં સુધી આવું ટેલિસ્કોપ અંતરિક્ષમાં ગોઠવી શકાયું હતું નહીં.  નાસાની 21 વર્ષની કારકિર્દીમાં નેન્સી ગ્રેસ રોમને સ્પેસ ખગોળ શાળાઓ અંતરિક્ષમાં ગોઠવવા માટે કામ કર્યું હતું.  જેના કારણે નાસાને સૂર્ય,  ઊંડા અંતરીક્ષ,  પૃથ્વીના વાતાવરણ,  બ્રહ્માંડ અને  સૂર્યમાળાની બહાર આવેલા  ગ્રહો વિશે માહિતી મળી હતી.  

નાસામાં આવીને તેમણે, ૧૯૬૬ થી ૧૯૭૨ સુધી તેમણે અંતરિક્ષમાં પ્રદક્ષિણા કરે તેવી ખગોળીય વેધશાળાના વિકાસ માટે કામ કર્યું હતું. ૧૯૬૬માં તેમણે 3 મીટર ક્લાસ ટેલિસ્કોપનો અભ્યાસ શરૂ કર્યો. 1968માં ઓરબીટ એસ્ટ્રોનોમિકલ ઓબ્ઝર્વેટરી-2,  અમેરિકાનું પ્રથમ સ્પેસ ટેલિસ્કોપ OAO-3, અંતરિક્ષમાં ગોઠવવામાં આવ્યું. જેને કોપરનિકસ નામ આપવામાં આવ્યું હતું.  આ ટેલિસ્કોપ અલ્ટ્રાવાયોલેટ ટેલિસ્કોપ હતું. જે ૧૯૭૨થી ૧૯૮૧ સુધી કાર્યરત રહ્યું હતું.  નાસાનો નાનો એક્સ-રે એક્સપ્લોરર સેટેલાઈટ,  યુહુંરૂ(1970) ,  ગામારે ટેલિસ્કોપ – SAS-2 (1972)  અને મલ્ટી-ઇન્સ્ટ્રુમેન્ટ વાળા એક્સરે ટેલિસ્કોપ SAS-3 (1975)ને  અંતરિક્ષમાં ગોઠવવા માટે  નેન્સી ભૂમિકા ખૂબ જ મહત્વની હતી. ૧૯૭૪માં 36 ઇંચના ટેલિસ્કોપ વાળી કુઈપર એરબોર્ન ઓબ્ઝર્વેટરી પણ નેન્સી રોમનના પ્રયત્નોથી શરૂ થઈ હતી. ૧૯૭૮માં તેમણે નાસા અને યુરોપિયન સ્પેસ એજન્સીના સહયોગથી ઇન્ટરનેશનલ અલ્ટ્રાવાયોલેટ એક્સપ્લોરર નામનો ઉપગ્રહ અંતરિક્ષમાં તરતો મૂક્યો હતો.  આજના ડિજિટલ કેમેરામાં વપરાતા ચાર્જ કપલ ડિવાઇસ (CCD)નો ફોટોગ્રાફિક ડિટેક્ટર તરીકે ઉપયોગ કરનાર પ્રથમ વ્યક્તિ પણ નેન્સી રોમન હતા.  નેન્સીએ KH-11 Kennen  સેટેલાઈટમાં ચાર્જ કપલ ડિવાઇસ ડિટેક્ટર ગોઠવ્યું હતું.

1971માં તેમણે “લાર્જ સ્પેસ ટેલિસ્કોપ” માટે એક ગ્રુપની રચના કરી. હવે અંતરિક્ષમાં લાર્જ સ્પેસ ટેલિસ્કોપ (LST) ગોઠવવા માટે નેન્સી રોમને  પ્રયત્ન શરુ કર્યા. આ સમયે નાસાના એડમિનિસ્ટ્રેટર જેમ્સ વેબ્બ દ્વારા વિવિધ પ્રકારના કાર્યક્રમોમાં રાત્રીભોજનનું આયોજન કરવામાં આવતું હતું.  ડિનરમાં નેન્સી રોમન, રાજકીય વગ ધરાવતા લોકોને “લાર્જ સ્પેસ ટેલિસ્કોપ”નું મહત્વ સમજાવતા અને તેના માટે જરૂરી ભન્ડોળ મળે તેમાટે વકીલાત પણ કરતા હતા.  તેમણે લાર્જર સ્પેસ ટેલિસ્કોપ પ્રોજેક્ટ અમલમાં મૂક્યો હતો.  સમય જતા આ  પ્રોજેક્ટને  હબલ સ્પેસ ટેલિસ્કોપ તરીકે ઓળખવામાં આવ્યો. 1979માં નેન્સીએ માતાની સેવા કરવા માટે નાસામાંથી સમય કરતા પહેલા નિવૃત્તિ લઇ લીધી હતી.  પરંતુ નાસા તેમને સલાહકાર તરીકે અવારનવાર બોલાવતા હતા. 

છેવટે નાસાએ નેન્સી રોમનના અથાગ પ્રયત્નોના કારણે,  1990મા સ્પેસ શટલ “ડિસ્કવરી” દ્વારા હબલ સ્પેસ ટેલિસ્કોપ અંતરિક્ષમાં ગોઠવાયું હતું. 30 વર્ષની લાંબી મજલમાં  હબલ સ્પેસ ટેલિસ્કોપે 14.0  લાખ અવલોકનો નોંધ્યાછે. જેના કારણે વૈજ્ઞાનિક જર્નલમાં 17000 કરતાં વધારે સંશોધન લેખો પ્રકાશિત થયા છે. હબલ સ્પેસ ટેલિસ્કોપે જે તસ્વીરો લીધીછે, તેનો જોટો જડે તેમ નથી. 1998માં  હબલ સ્પેસ ટેલિસ્કોપના મુખ્ય વૈજ્ઞાનિક/ખગોળશાસ્ત્રી  એડ વેઇલરે નેન્સી રોમનને “મધર ઓફ  હબલ સ્પેસ ટેલિસ્કોપ ટેલિસ્કોપ”નું બિરુદ આપ્યું હતું. ૨૫ ડિસેમ્બર એટલે કે નાતાલના દિવસે, 2018માં 93 વર્ષની ઉંમરે તેમનો કુદરતી રીતે જ મૃત્યુ થયું હતું. નાસાના  આવનારા વર્ષોના અભિયાન “ડબલ્યુ- ફર્સ્ટ”   દ્વારા “મધર ઓફ  હબલ સ્પેસ ટેલિસ્કોપ” તરીકે જાણીતા બનેલા, ડૉ.નેન્સી ગ્રેસ રોમન માટે અંતરિક્ષ વિજ્ઞાનમાં અમર થઇ જશે.